વિશ્વની મહત્ત્વની શોધખોળો - માનવે સર્જેલી કેટલીક વસ્તુઓ જેનાથી બદલાઈ ગઈ દુનિયા!

in #science4 years ago

માનવે સર્જેલી કેટલીક વસ્તુઓ જેનાથી બદલાઈ ગઈ દુનિયા!!


Inventions That Changed the World

ચક્ર – પૈડું

આપણે ક્યારેય આપણી જીન્દગી ગતિ વગરની કલ્પી શકીએ? આપણુ પરિવહન પૈડાં - ચક્રની શોધને આભારી છે. પૈડું સૌપ્રથમ કોણે શોધ્યું તે જાણી શકાયું નથી. પરંતુ પૈડાંની શોધ આશરે ૩૦૦૦ વર્ષ પહેલાં તો થઇ જ હશે એમ માની શકાય છે કારણકે તે સમયે વણકર અને કુંભાર તેનો ઉપયોગ કરતા હતા.

ઈ.સ. પૂર્વે ૫૦૦૦ વર્ષની આસપાસ કે તે પહેલાં શોધાયેલી વસ્તુઓ હવે અસ્તિત્વમાં નથી પરંતુ પૈડું તો આજે પણ રોજીન્દા વપરાશમાં છે અને તેની ઘણી જ માંગ છે.

વરાળયંત્ર - વરાળથી ચાલતું એન્જીન

અનેક વર્ષોના અથાક પ્રયત્નો અને કેટલાય પ્રયોગો કર્યા પછી જેમ્સ વોટએ ૧૭૬૯માં એણે વરાળયંત્ર શોધ્યું છે એવો દાવો કર્યો. આ વરાળયંત્રથી ચાલતી ટ્રેઈનને લીધે જ માલની હેરફેર ઝડપી બનતાં ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બની.

એરોપ્લેન - વિમાન

રાઈટ બંધુઓ - વિલ્બર રાઈટ અને ઓરવિલે રાઈટએ ૧૭ ડીસેમ્બર ૧૯૦૩ના દિવસે એમનું બનાવેલું વિમાન લોકો સમક્ષ રજુ કર્યું. વિમાનની શોધ થતાં માલની હેરફેર ખુબ જ ઝડપી બનતાં પરિવહનની ક્રાંતિ થઇ અને ઉદ્યોગોનો વિકાસ પણ ઝડપી બન્યો. હજારો માઈલ દુરની મુસાફરી ઝડપી બની અને પૃથ્વી પરના લગભગ કોઈ પણ સ્થળે પહોંચી શકાયું.

માર્ગ પરિવહન – ઓટોમોબાઈલ

માર્ગ પરિવહન – ઓટોમોબાઈલની શોધ છેક ૧૭૬૯માં થઇ હતી એવું માની શકાય કારણકે ત્યારે નિકોલસ-જોસેફ કગ્નોટ નામની વ્યક્તિએ ત્રણ પૈડાંના વરાળયંત્ર - સ્ટીમ એન્જીનની શોધ કરી હતી.

સાચા અર્થમાં મોટરકાર કહી શકાય એવું વાહન ૧૮૮૯માં ડેઈમલર અને મેબેક નામના બે જર્મન એન્જીનીયરોએ બનાવ્યું. એમણે બે નળાકાર અને ૧.૫ હોર્સ પાવર વાળા ગેસ એન્જીનથી ચાલતી ૩૦ મોટરગાડીઓનું ઉત્પાદન કર્યું. એ પછી બેન્ઝએ ચાર નળાકાર-પિસ્ટન વાળા ગેસ એન્જીનથી ચાલતી પચીસ મોટરગાડીઓનું ઉત્પાદન કર્યું. ત્યાર બાદ હેનરી ફોર્ડએ પોષાઇ શકે તેવા ભાવની, નફાકારક અને સ્પર્ધામાં ટકી શકે એવી મોટરકારનું ઉત્પાદન કર્યું જેના લીધે ઘોડા વડે ખેંચાતી મોટરગાડીને બદલે ઝડપી ગતિએ દોડતી કાર રસ્તા પર આવી જે સૌથી ઉપયોગી વાહન બની ગઈ.

પ્રિન્ટીંગ પ્રેસ - છાપખાનું (મુદ્રણાલય)

જોહનેસ ગુટેનબર્ગ નામના જર્મન શોધકે ૧૪૫૦ની આસપાસ પ્રિન્ટીંગ પ્રેસની જગતને ભેટ આપી. પ્રિન્ટીંગ પ્રેસ વગર સાંસ્કૃતિક અને ઔદ્યોગિક ક્રાંતિ શક્ય જ ન બની હોત. પ્રિન્ટીંગ પ્રેસની શોધ થવાથી વિચારો અને માહિતી વિશાળ વાચકો સુધી પહોંચી શક્યા. ઉત્કૃષ્ટ સાહિત્યને વિશ્વભરમાં બહોળા સમુદાય સુધી પહોંચાડી શકાયું.

કેમેરા

આપણા જીવનની યાદગાર ક્ષણોના ફોટા પાડવા અને હવે તો વિડીયો ઉતારવા માટે વપરાતા કેમેરા આપણા જીવનમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે.

૧૮૨૬માં ફ્રાંસના જોસેફ એન. નીપ્સેએ કેમેરા બનાવ્યો જેને "ઓબ્સ્કરા" એવું નામ આપ્યું, ૧૮૨૯માં એણે અને લોઈસ ડેગુરેએ ફોટોગ્રાફીમાં મહત્વના સુધારા કર્યા. જોસેફ નીપ્સેના મૃત્યુ બાદ લોઈસ ઝડપથી પ્રખ્યાત થવા લાગ્યા અને અમેરિકાના ન્યુયોર્કમાં લગભગ ૭૦ ફોટો સ્ટુડીઓ ખુલી ગયા. ૧૯૪૦માં રંગીન-કલર ફોટોગ્રાફીની શરૂઆત થઇ.

ટેલીફોન

એલેક્ઝાંડર ગ્રેહામ બેલએ, એણે કરેલી ટેલીફોનની શોધના હક માટે ૧૪ ફેબ્રુઆરી ૧૮૭૬ના દિવસે રજૂઆત કરી. ટેલીફોન પર સૌપ્રથમ વાતચીત બેલ અને બાજુના ઓરડામાં બેઠેલા એના સહાયક વચ્ચે થઇ. બેલે રીસીવરમાં કહ્યું, "વોટસન, અહીં આવો. મારે તમારું કામ છે." વોટસને આ રીસીવરમાં સાંભળ્યું અને આ રીતે ટેલીફોનની શોધનો પ્રયોગ સફળ થયો. ત્યાર બાદ બેલે "ધ બેલ ટેલીફોન કંપની AT & T " ની સ્થાપના કરી જે સૌથી મોટી ટેલીફોન કંપની બની.

લાઈટ બલ્બ - વીજળીનો ગોળો

થોમસ આલ્વા એડીસનએ વધારે ઉજાસ આપે અને લાંબા સમય સુધી ચાલી શકે એવો પદાર્થ શોધવા માટે જુદા જુદા પ્રકારના હજારો તાર - ફિલામેન્ટ વડે પ્રયોગો કર્યા. ૧૮૭૯માં એણે શોધ્યું કે ઓક્સીજન વિનાના બલ્બમાં કાર્બન ફિલામેન્ટ પ્રકાશિત થઇ શકે છે અને લગભગ ૪૦ કલાક સુધી તે સળગી જતો નથી. પાછળથી એણે ૧૫૦૦ કલાક સુધી ચાલી શકે એવો બલ્બ પણ શોધ્યો.

રેડીઓ

૧૯મી સદીમાં સ્કોટલેન્ડના એક ભૌતિક વૈજ્ઞાનિકે રેડીઓ તરંગોની કલ્પના કરી હતી. પાછળથી એક જર્મન વૈજ્ઞાનિકે આ તર્ક સાબિત કરી આપ્યો અને શોધ્યું કે રેડીઓ તરંગો પ્રકાશ અને ઉષ્મા તરંગો જેવા જ છે. આ શોધથી રેડીઓ તરંગો પ્રસારિત કરવાની શરૂઆત થઇ. નિકોલા ટેસ્લા નામના સર્બિયન વૈજ્ઞાનિકે ૧૮૯૨માં સૌપ્રથમ રેડીઓ બનાવ્યો. સર ઓલીવર લોજએ આ રેડીઓમાં મહત્વના ફેરફાર કર્યા જેનાથી રેડીઓના મોજાં પકડી શકાયા. સફળતાપૂર્વક રેડીઓના મોજાં પ્રસારિત કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.

ટેલીવિઝન

૨૬ જાન્યુઆરી ૧૯૨૬ના દિવસે જોહન લોગી બેર્ડએ હાલતા ચાલતા ચિત્રો પ્રસારિત કરી શકે એવા ટેલીવિઝનનું નિદર્શન કર્યું. થોડા મહિના બાદ ૩ જુલાઈ ૧૯૨૮ના રોજ એણે રંગીન ટેલીવિઝનનું પણ નિદર્શન કર્યું. જો કે રંગીન ટેલીવિઝન બજારમાં તો છેક ૧૯૬૨માં આવ્યા. ટેલીવિઝનનું સૌપ્રથમ પ્રસારણ ૧૯૩૫માં જર્મનીમાં થયું હતું. અમેરિકામાં તો ટેલીવિઝનનું પ્રસારણ ૧૯૫૫ની આસપાસ થયું હતું.

કોમ્પ્યુટર

ચાર્લ્સ બેબેજ નામના એક બ્રિટીશ મીકેનીકલ એન્જીનીયરે ૧૯મી સદીની શરૂઆતમાં સૌપ્રથમ યાંત્રિક કોમ્પ્યુટર બનાવ્યું. તેઓ કોમ્પ્યુટરના જનક તરીકે ઓળખાય છે. ૧૮૩૩માં એમણે માહિતીનું વિશ્લેષણ કરી શકે એવું યંત્ર બનાવ્યું જેમાં માહિતી (ડેટા) અને એનું વિશ્લેષણ કરતા કોમ્પ્યુટરના પ્રોગ્રામ, પંચ કાર્ડ (પધ્ધતિસર કાણા પાડ્યા હોય એવા કાર્ડ) દ્વારા યંત્રને અપાતા હતા. એલન ટ્યુરીંગએ સૌપ્રથમ ડીજીટલ કોમ્પ્યુટર (ગાણિતિક પધ્ધતિવાળું) બનાવ્યું. એણે યુનિવર્સલ મશીન તરીકે ઓળખાતું સૌપ્રથમ કોમ્પ્યુટર બનાવ્યું જેમાં કોમ્પ્યુટર પ્રોગ્રામ (સોફ્ટવેર)નો ઉપયોગ થયો હતો. આ મશીન યુનિવર્સલ ટ્યુરીંગ મશીન પણ કહેવાતું. આ મશીનમાં કોમ્પ્યુટર પ્રોગ્રામ ટેપમાં સંગ્રહિત થતા હતા. ત્યાર પછી ઈલેક્ટ્રોનિક વાલ્વવાળા કોમ્પ્યુટર આવ્યા જે આખા ઓરડા રોકતા હતા. નાના ટ્રાન્ઝીસ્ટરની શોધ થવાથી કોમ્પ્યુટરનું કદ પણ નાનું થયું. ઇન્ટીગ્રેટેડ સર્કીટ (આઈ.સી. ચીપ)ની શોધ થવાથી ઈલેક્ટ્રોનિક યુગમાં ક્રાંતિ આવી. ત્યાર બાદ ટેબલ ઉપર રાખી શકાય એવા ડેસ્કટોપ કોમ્પ્યુટર આવ્યા જે પર્સનલ કોમ્પ્યુટર કે પીસી પણ કહેવાય છે. હવે તો લેપટોપ અને ટેબ્લેટ પણ આવી ગયા છે.

ઈન્ટરનેટ

માહિતીપ્રસારણના અસંખ્ય કેન્દ્રો (નેટવર્ક)ને જોડીને બનેલું એક વૈશ્વિક નેટવર્કનું માળખું એટલે ઈન્ટરનેટ. ૧૯૭૩માં વિન્ટન સર્ફ નામના એક અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિકે માહિતીપ્રસારણનું નિયંત્રણ કરતા કેટલાક પધ્ધતિસરના નિયમો બનાવ્યા જેનો ઉપયોગ ઈન્ટરનેટમાં થયો. ઈન્ટરનેટનો ઉપયોગ અમેરિકાની યુનીવર્સીટીઓ અને પ્રયોગશાળાઓને જોડવા માટે કરવાનો હતો. અત્યારે આપણે જેને વર્લ્ડ વાઇડ વેબ તરીકે જાણીએ છીએ તેની શરૂઆત ટીમોથી બર્નર્સ-લી નામના એક બ્રિટીશ વૈજ્ઞાનિકે ૧૯૮૯માં કરી હતી. એણે ન્યુક્લિયર સંશોધન માટેની યુરોપની સંસ્થા માટે એની શરૂઆત કરી હતી જે આજે તો વિશ્વભરમાં ઉપયોગી બન્યું છે.

મોબાઈલ

૧૮૭૬માં ગ્રેહામ બેલએ ટેલીફોનની શોધ કરી. ૨૩ ડીસેમ્બર ૧૯૦૦ના દિવસે રેગીનાલ્ડ ફેસેન્ડેનએ સૌપ્રથમ વખત વાયરલેસ - ટેલીફોનના તારના ઉપયોગ વગર વાતચીત કરી. ૩ એપ્રિલ ૧૯૭૩ના રોજ મોટોરોલા કંપનીના એન્જીનીયર માર્ટીન કુપરએ ૧.૧ કિ.ગ્રા. વજન ધરાવતો મોબાઈલ ફોન બનાવ્યો. ૧૯૮૩માં મોટોરોલાએ વ્યાપારી ધોરણે મોબાઈલ ફોન બજારમાં મુક્યા. ત્યાર બાદ લગભગ ૨ દશક સુધી મોટોરોલા અને નોકિયા કંપનીઓએ જુદા જુદા પ્રકારના મોબાઈલ ફોન આપ્યા. ૨૦૦૮ પછી તો મોબાઈલ ફોનની દુનિયા જ બદલાઈ ગઈ છે. એકદમ હળવા વજનના મોટી સ્ક્રીનવાળા મોબાઈલથી અનેક કાર્યો થઇ શકે છે અને અસંખ્ય મોબાઈલ એપ્સ પણ ઉપલબ્ધ થઇ છે.

રોબોટ

૧૯૪૧ અને ૧૯૪૨માં આઈઝેક એસીમોવએ રોબોટીક્સના ત્રણ નિયમો આપીને "રોબોટીક્સ" શબ્દ પ્રચલિત કર્યો. ૧૯૪૮માં નોરબર્ટ વિએનરએ યંત્રોના નિયંત્રણ અને સંદેશા વ્યવહાર માટેના માર્ગદર્શક નિયમો આપ્યા. તેને "સાયબરનેટીક્સ" નામ આપ્યું અને તે રોબોટીક્સનો પાયો છે. ૧૯૫૪માં જયોર્જ ડેવોલએ સૌપ્રથમ કોમ્પ્યુટરની માફક પ્રોગ્રામ દ્વારા વાપરી શકાય તેવો રોબોટ બનાવ્યો. તેનું નામ "અલ્ટીમેટ" આપ્યું અને તેના દ્વારા આધુનિક રોબોટીક્સની શરૂઆત થઇ. ૧૯૬૦માં ડેવોલે આ રોબોટ જનરલ મોટર્સ નામની કંપનીને વેંચ્યો. આ કંપનીએ ૧૯૬૧માં તેના ન્યુજર્સી શહેરની ફેક્ટરીમાં આ રોબોટનો વપરાશ શરુ કર્યો. બીબાંમાંથી ધાતુના ગરમ ટુકડા ઉપાડી, એક ઉપર એક ગોઠવવાનું કામ આ રોબોટ પાસે કરાવ્યું. આ રીતે મનુષ્યના કામમાં રોબોટની મદદ લેવાનું શરુ થયું.

૩-ડી પ્રિન્ટર

ચાર્લ્સ હલ, ૩-ડી સિસ્ટમ્સ નામની કંપનીના સ્થાપક અને સંચાલક છે. તેઓ સ્ટીરીયોલીથોગ્રાફી (૩-ડી પ્રિન્ટીંગ) નામે ઓળખાતી ચિત્ર દોરાતા હોય (પ્રિન્ટ થતા હોય) એવી રીતે નક્કર પદાર્થ બનાવવાની પ્રક્રિયાના શોધક છે. સ્ટીરીયોલીથોગ્રાફી (૩-ડી પ્રિન્ટીંગ)થી અલ્ટ્રા વાયોલેટ કિરણો (અદ્રશ્ય કિરણો)ના પાતળા સ્તરમાંથી પસાર કરેલા પદાર્થને એક ઉપર એક "પ્રિન્ટ" કરીને ઘન-નક્કર પદાર્થ બનાવવામાં આવે છે. ૩-ડી પ્રિન્ટીંગથી "ચમત્કારિક" કહી શકાય એવા પરિણામો મેળવી શકાય છે. આપણે ૩-ડી પ્રિન્ટીંગની મદદથી માનવ અંગો પણ બનાવી શકીએ છીએ.

Coin Marketplace

STEEM 0.30
TRX 0.12
JST 0.034
BTC 64038.60
ETH 3148.89
USDT 1.00
SBD 3.97