વિશ્વની મહત્ત્વની શોધખોળો - ભૌતિક વિજ્ઞાનની શોધખોળ

in #science5 years ago

Physics Inventions

તરલતાનો સિધ્ધાંત અને ઉચ્ચાલકનો સિધ્ધાંત

ઈ.સ. પૂર્વે ૨૬૦માં આર્કિમીડીઝએ ભૌતિક વિજ્ઞાન અને ઇજનેરીના પાયામાં રહેલા બે મૂળભૂત સિધ્ધાંતની શોધ કરી.

તરલતાનો સિધ્ધાંત - પાણીમાં રહેલો પદાર્થ જેટલા બળથી પાણી ખસેડે છે તેટલા બળથી પાણી તે પદાર્થને ઉપર ઊંચકે છે. ઉચ્ચાલકનો સિધ્ધાંત - લીવર / ભાર ઉંચકવાના સાધનની એક બાજુને જેટલું બળ આપીને નીચે દબાવવામાં આવે તેટલા બળથી તેની બીજી બાજુ ઉંચકાય છે જે આ લીવરની બે બાજુઓની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આ બે સિદ્ધાંતો પરિમાણવાચક વિજ્ઞાન અને ઇજનેરીના પાયારૂપ ગણાય છે.

આ શોધ દ્વારા આર્કીમીડીઝે દુનિયાને એક ઘણો જ પ્રખ્યાત શબ્દ આપ્યો - "યુરેકા"!!!

હવાનું દબાણ

૧૬૪૦માં ઇવાનજેલીસ્ટા ટોરીસેલીએ શોધ કરી કે હવા - વાતાવરણને પણ ભાર હોય છે જે આપણા પર દબાણ કરે છે.

આ શોધ દ્વારા આપણને વાતાવરણ વિષે જાણકારી મળી. આના દ્વારા જ ન્યુટન અને અન્ય વૈજ્ઞાનિકો ગુરુત્વાકર્ષણ વિષે વિચારવા પ્રેરાયા. પાછળથી ઇવાનજેલીસ્ટાએ શૂન્યાવકાશનો સિધ્ધાંત શોધ્યો અને બેરોમીટરની રચના કરી.

ગુરુત્વાકર્ષણ

૧૬૬૬માં આઈઝેક ન્યુટનએ શોધ કરી કે ગુરુત્વાકર્ષણ એ એક એવું આકર્ષણ બળ છે જે કોઈ પણ પદાર્થ દ્વારા અન્ય કોઈ પણ પદાર્થ ઉપર ક્રિયાશીલ થાય છે. સફરજન ઝાડ પરથી નીચે પડે છે, માણસોને વજન હોય છે, ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે - આ બધું જ, ગુરુત્વાકર્ષણને લીધે જ થાય છે.

આપણા ભૌતિકશાસ્ત્રની મોટા ભાગની શોધો ન્યુટનના આ ગુરુત્વાકર્ષણના સિધ્ધાંત પર જ આધારિત છે જેમાં એણે સમજાવ્યું છે કે ગુરુત્વાકર્ષણ એ દરેક પદાર્થનો પાયારૂપ ગુણધર્મ છે.

ગતિના નિયમો

૧૬૮૭માં આઈઝેક ન્યુટનએ પદાર્થ, બળ અને ગતિ વચ્ચેનો પાયારૂપ સંબંધ શોધ્યો જેના પર ભૌતિકશાસ્ત્ર અને ઇજનેરી વિજ્ઞાન ખુબ જ આધારિત છે.

ન્યુટને ગતિના ત્રણ નિયમો આપ્યા જેનાથી ભૌતિકશાસ્ત્ર અને તકનીકી વિજ્ઞાનનો પાયો નંખાયો. આ નિયમો ભૌતિકશાસ્ત્રના મૂળભૂત પ્રમેય-સિધ્ધાંત છે. ન્યુટન ૨૦મી સદીના એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ગણાય છે.

વીજળીનો ગુણધર્મ

૧૭૫૨માં બેન્જામીન ફ્રેન્કલીનએ શોધ કરી કે કોઈ પણ સ્વરૂપે વીજળી એક સમાન જ હોય છે.

વીજળી એ આપણા માટે કુદરતી ઊર્જાની બહુ મોટી સંપત્તિ છે. આ શોધ દ્વારા જ ૧૯મી સદીમાં મોટા ભાગના વૈજ્ઞાનિક અને તકનીકી સાધનો બની શક્યા. જેના લીધે બેટરી, ઇલેક્ટ્રિક મોટર, જનરેટર, લાઈટ બલ્બ જેવા ઉપકરણો અસ્તિત્વમાં આવ્યા.

ઉષ્માનો ગુણધર્મ

૧૯૭૦માં કાઉન્ટ રમ્ફોર્ડએ શોધ કરી કે ઉષ્મા, પદાર્થના કોઈ ભાગના રાસાયણિક ગુણધર્મને કારણે નહીં પરંતુ ઘર્ષણથી ઉત્તપન્ન થાય છે.

વૈજ્ઞાનિકો તો એવું માનતા હતા કે ઉષ્મા તો કેલોરિક નામનું અદ્રશ્ય, ભારવિહીન પ્રવાહી છે. આ ભૂલભરેલી માન્યતાને લીધે વૈજ્ઞાનિકો ઉષ્માના ગુણધર્મો સમજી શક્યા નહોતા. ઉપચયન (ઓક્સીડેશન), જવલન જેવી પ્રક્રિયાની સમજણ પણ નહોતી જેને લીધે ઘણી વૈજ્ઞાનિક બાબતો અટકી પડી હતી. બેન્જામીન થોમ્પસન કે જે પોતાને કાઉન્ટ રમ્ફોર્ડ તરીકે ઓળખાવતા હતા એમણે ઘર્ષણના સિધ્ધાંતની શોધ કરી અને ઉષ્માના ગુણધર્મની સાચી સમજ મેળવવાના દ્વાર ઉઘાડી આપ્યા.

અણુ

૧૮૦૨માં જોહન ડાલ્ટનએ શોધ કરી કે અણુ એ કોઈ પણ રાસાયણિક ઘટકમાં રહેલો સૌથી સુક્ષ્મ કણ છે.

જોહન ડાલ્ટનએ અણુની વ્યાખ્યા આપી અને વૈજ્ઞાનિકોને અણુશક્તિ પર સંશોધન કરવાની તક પૂરી પાડી. બધા જ રાસાયણિક મિશ્રણ અણુઓના સંયોજનથી જ બને છે. આ શોધ માટે ડાલ્ટન આધુનિક ભૌતિક વિજ્ઞાનના પિતામહ કહેવાય છે.

વિદ્યુતચુંબકીય બળ

૧૮૨૦માં હાન્સ ઓએરસ્ટેડએ શોધ કરી કે વીજપ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્તપન્ન કરે છે અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા વીજપ્રવાહ ઉત્તપન્ન થાય છે.

આ શોધે આપણા અત્યારના આધુનિક જીવનને ઘડવામાં ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો છે. આપણા ઘર, ઉદ્યોગો, અને રોજીન્દી જીન્દગીમાં ઇલેક્ટ્રિક મોટરનો ઘણો જ વપરાશ થાય છે જે વિદ્યુતચુંબકીય બળ પર આધારિત છે.

ઊર્જાનો એકમ કેલરી

૧૮૪૩માં જેમ્સ જુલએ શોધ કરી કે દરેક પ્રકારની ઊર્જા અને યાંત્રિક કાર્ય એક સરખા જ છે અને એકબીજામાં રૂપાંતરિત કરી શકાય છે.

આ શોધ થયાના ૪૦ વર્ષ બાદ તે ઊર્જાના સંરક્ષણ માટેના નિયમો શોધવામાં ખુબ જ પાયારૂપ બની. ઉષ્માગતિ વિદ્યા (થર્મોડાયનેમિક્સ) નું ક્ષેત્ર વિકસાવવામાં આ શોધ ઘણી મહત્વની સાબિત થઇ.

ઊર્જાનું સંરક્ષણ

૧૮૪૭માં હર્મન વોન હેલ્મહોલ્ટ્ઝએ શોધ કરી કે ઊર્જા ક્યારેય ઉત્તપન્ન નથી કરી શકાતી કે તેનો નાશ પણ નથી થતો. તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે પરંતુ ઊર્જાનો કુલ જથ્થો તો અચળ જ રહે છે.

આ શોધ થર્મોડાયનેમિક્સ (ઉષ્માગતિ વિદ્યા)નો પ્રથમ નિયમ બનાવે છે. ઊર્જાના વિવિધ સ્વરૂપના રૂપાંતર અને પરસ્પરના આદાનપ્રદાન વિષે સમજવામાં આ શોધ ચાવીરૂપ સાબિત થઇ છે. હર્મને વિજ્ઞાન અને તકનીકી સમજવામાં ઘણા બદલાવ લાવી આપ્યા.

વીજચુંબકીય વિકિરણ / ધ્વની તરંગો

૧૮૬૪માં જેમ્સ ક્લાર્ક મેકસવેલએ શોધ કરી કે દરેક પ્રકારના વિદ્યુત અને ચુંબકીય ઊર્જા તરંગો એ એક જ વીજચુંબકીય વર્ણપટના ભાગ છે અને સરળ ગાણિતિક નિયમોનું પાલન કરે છે.

મક્સ્વેલએ વિદ્યુત અને ચુંબકીય ઊર્જાને સંગઠિત કરીને વીજચુંબકીય વિકિરણની વ્યાખ્યા આપી તેમજ વિધુત અને ચુંબકીય ક્ષેત્રના આચરણને નિયંત્રિત કરતા ચાર સરળ સુત્રોની શોધ કરી. આ સુત્રો બનાવતી વખતે મક્સ્વેલએ એ પણ શોધ્યું કે પ્રકાશ એ વીજચુંબકીય વર્ણપટનો જ એક ભાગ છે અને તે દ્વારા એણે ધ્વની તરંગો, ક્ષ કિરણો અને ગેમા કિરણોનું પણ અનુમાન કર્યું.

ઈલેક્ટ્રોન (વીજાણુ)

૧૮૯૭માં જે.જે. થોમસનએ ઈલેક્ટ્રોન (વીજાણુ)ની શોધ કરી. અણુ કરતાંય સુક્ષ્મ હોય એવો આ સૌપ્રથમ કણ શોધાયો હતો.

ઈલેક્ટ્રોન (વીજાણુ) એ પદાર્થનો એવો કણ છે જે અણુ કરતાંય નાનો હોય. આ શોધથી વિદ્યુત પરિવહન કરતા એકમનો સૌપ્રથમ પુરાવો મળ્યો અને એનું વર્ણન કરી શકાયું. થોમસનના પ્રયોગોથી વિજ્ઞાનની એક નવી જ શાખાનો ઉદભવ થયો.

કિરણોત્સર્ગ

૧૯૦૧માં મેરી ક્યુરીએ શોધ કરી કે અણુઓ એ ઘન ગોળા કે પદાર્થના સૌથી સુક્ષ્મ કણો નથી પરંતુ તેમાં અસંખ્ય સુક્ષ્મ કણો રહેલા છે.

આ શોધ વિજ્ઞાનના મહત્વના બદલાવ માટે ચાવીરૂપ બની. ભૌતિક વિજ્ઞાનનું જાણે કે સ્વરૂપ જ બદલાઈ ગયું. મેરી ક્યુરીની આ શોધ પછીનું ભૌતિક વિજ્ઞાન પહેલાં કરતાં સાવ જ અલગ હતું અને તેમાં અણુ કરતાંય સુક્ષ્મ કણોની વણશોધાયેલી દુનિયાનો સમાવેશ થયો. કિરણોત્સર્ગના ભય વિષે કોઈ સમજ મળી તે પહેલાં જ ક્યુરીએ રેડીયમ જેવા કિરણોત્સર્ગી તત્વના સંશોધન પર કામ કર્યું હતું. એમના મૃત્યુ બાદ અનેક વર્ષો પછી પણ એમની નોંધપોથીઓમાં ઘણા પ્રમાણમાં કિરણોત્સર્ગની અસર હતી.

E=mc^2

૧૯૦૫માં આલ્બર્ટ આઇન્સ્ટાઇનએ પદાર્થ અને ઊર્જા વચ્ચેના સંબંધની સચોટ માહિતી આપી.

આઇન્સ્ટાઇનએ માનવીય ઈતિહાસના પ્રખ્યાત સૂત્ર E = mc2 દ્વારા પદાર્થ અને ઊર્જા વચ્ચેનો સંબંધ સમજાવ્યો. પદાર્થ અને ઊર્જા અલગ છે એવી માન્યતા હતી પરંતુ આઇન્સ્ટાઇનએ સમજાવ્યું કે આ બંને વચ્ચે પરસ્પર આદાનપ્રદાન થઇ શકે છે. આ એક સૂત્રએ ભૌતિક વિજ્ઞાનના સંશોધનને નવી દિશા આપી. આ સૂત્રને આધારે માઈકલસનએ ૧૯૨૮માં પ્રકાશના વેગની ગણતરી આપી અને તેના દ્વારા અણુબોંબ અને અણુઊર્જા વિકસાવવામાં આવ્યા.

સાપેક્ષતાવાદ

૧૯૦૫માં આલ્બર્ટ આઇન્સ્ટાઇનએ શોધ કરી કે સમય અને અવકાશ ભેગા મળીને બ્રહ્માંડની એક ગુંથેલી ચાદર બનાવે છે જેને ગુરુત્વાકર્ષણથી આકાર મળે છે. સાપેક્ષતાવાદથી આઇન્સ્ટાઇને સમજાવ્યું કે ગતિ માત્ર સાપેક્ષ છે અને નિર્વાત સ્થાન કે અવકાશમાં પ્રકાશની ગતિ સ્થિર હોયછે.

આઇન્સ્ટાઇનના સાપેક્ષતાવાદથી આપણી બ્રહ્માંડ બાબતની માન્યતા તેમજ પૃથ્વી અને મનુષ્યનું બ્રહ્માંડમાં શું સ્થાન છે તેની સમજ બદલાઈ ગઈ. ૨૦મી સદીમાં વિજ્ઞાન, તકનીકી અને ગણિતમાં જે પ્રગતિ થઇ છે તેનો પાયો આઇન્સ્ટાઇનની શોધોને આભારી છે. કદાચ બીજા કોઈ પણ વૈજ્ઞાનિક કરતાં આઇન્સ્ટાઇને આપણી જીન્દગી પર સૌથી વધુ અસર કરી છે.

સુપર કંડકટીવીટી

૧૯૧૧માં હિક કામેરલીંઘ ઓનેસએ શોધ કરી કે અતિ નીચા તાપમાને કેટલાક પદાર્થ વીજપ્રવાહ સામે પ્રતિકારકતા ગુમાવી દે છે.

સુપર કંડકટીવીટીની શોધ થકી ખુબ જ કાર્યક્ષમ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક મોટર્સની ઉપલબ્ધી શક્ય બની. હજારો માઈલ સુધી અંતરાય વગરનો વીજપ્રવાહ શક્ય બન્યો અને સૌને સસ્તો અને કાર્યક્ષમ વીજપ્રવાહ આપવાનું સ્વપ્ન સાકાર થયું.

અણુઓનું બંધારણ

૧૯૧૩માં નીલ બોહરએ સૌપ્રથમ રજૂઆત કરી કે વિજાણુ કેવી રીતે ઊર્જા પ્રાપ્ત કરે છે, તેને સાચવી રાખે છે કે ગુમાવે છે તેમજ તે અણુના કેન્દ્ર ફરતે કેવી રીતે પરિભ્રમણ કરે છે.

આ શોધ પહેલાં એ નક્કી થઇ શકતું નહોતું કે અણુના બંધારણમાં શું રહેલું છે અને તેનું કાર્ય કેવી રીતે થાય છે. આ શોધ દ્વારા અણુના કેન્દ્ર ફરતે રહેલા વિજાણુ વિષે જાણી શકાયું. તેમનું સ્થાન, ગતિ, તેમાંથી કેવી રીતે વિકિરણો નીકળે છે, તેમાંથી કેવી રીતે ઊર્જા સ્થળાંતર કરે છે આ તમામ હકીકતો સ્પષ્ટ બની. અણુયુગમાં આગળ વધવા માટે આ શોધ આશીર્વાદરૂપ સાબિત થઇ.

ક્વોન્ટમ પ્રક્રિયા

૧૯૨૫માં મેક્સ બોર્નએ અણુઓની વર્તણુકને ચોકસાઈપૂર્વક સમજાવી શકાય એવી ગાણિતિક પધ્ધતિની શોધ કરી.

ક્વોન્ટમ પ્રક્રિયાની આ શોધથી અણુવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રને એક નવી જ દિશા મળી. આ શોધની મદદથી જ આપણે પધ્ધતિસર અણુઓની વર્તણુક દર્શાવી શક્યા.

પ્રકાશનો વેગ

૧૯૨૮માં આલ્બર્ટ માઈકલસનએ પ્રકાશનો વેગ શોધી કાઢ્યો જે એક સર્વમાન્ય અચળાંક છે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇનએ એમનું પ્રખ્યાત સૂત્ર E = mc2 આપ્યું તે પછી એમાં આવતો અચળાંક "c", અનેક ગણતરીઓ માટે અત્યંત આવશ્યક બની ગયો. તાત્કાલિક એનું સચોટ મૂલ્ય શોધવાની જરૂર ઉભી થઇ. ભૌતિકશાસ્ત્ર માટે આ અચળાંક ખુબ જ મહત્વનો છે. એની ગણતરીમાં ૧૦૦માં ભાગની ભૂલ આવે તો પણ પરિણામમાં ઘણો ફરક આવી જાય.

૫૦ વર્ષો સુધીના અથાક પ્રયત્નો અને કેટલાય સાધનો બનાવ્યા પછી આલ્બર્ટ માઈકલસનને પ્રકાશનો વેગ ચોકસાઈપૂર્વક માપવામાં સફળતા મળી. આ શોધ બદલ એમને પ્રખ્યાત નોબેલ ઇનામ મળ્યું. આ ઇનામ મેળવનાર તે સૌપ્રથમ અમેરિકન વૈજ્ઞાનિક હતા.

ન્યુટ્રોન

૧૯૩૨માં જેમ્સ ચેડવિકએ અણુના કેન્દ્રમાં રહેતા પ્રોટૉન જેટલા જ દ્રવ્યવાળા પણ વિદ્યુતભાર વિનાના પ્રાથમિક સ્થિતિના કણની શોધ કરી જે ન્યુટ્રોન તરીકે ઓળખાય છે.

આ શોધથી અણુઓની રચના વિષે સમજ મળી. વિદ્યુતભાર ન હોવાને લીધે ન્યુટ્રોન, પરમાણુભંજનની પ્રક્રિયા સમજવા માટે અને અણુઓની રચના સમજવા માટે ઘણા જ ઉપયોગી કણો છે. અણુ વિભાજન અને અણુ બોમ્બ બનાવવા માટે તે ઘણા જ ઉપયોગી થયા છે.

અણુ વિભાજન

૧૯૩૯માં લીસ મેઈટનરએ યુરેનિયમનું વિભાજન કરીને એમાંથી વિપુલ માત્રામાં ઊર્જા મેળવવાની પ્રક્રિયા શોધી.

અણુ વિભાજનની આ પ્રક્રિયા કે જેમાં યુરેનિયમનું વિભાજન કરીને ઊર્જા ઉત્તપન્ન કરવામાં આવે છે તે ૨૦મી સદીની ભૌતિકવિજ્ઞાનની ઘણી મોટી શોધ છે. આ શોધ અણુ ઊર્જા અને અણુ શસ્ત્રો માટે પાયારૂપ બની. આ શોધ બદલ લીસને ૨૦મી સદીની "સૌથી મહાન સ્ત્રી વિજ્ઞાન" માનવામાં આવે છે.

સેમીકન્ડક્ટર ટ્રાન્ઝીસ્ટર

૧૯૪૭માં જોહન બર્ડીનએ શોધ કરી કે ટ્રાન્ઝીસ્ટરની મદદથી અમુક સ્થિતિમાં જ વીજળી પસાર કરનાર પદાર્થ - સેમીકન્ડક્ટરને થોડી ક્ષણો માટે સુપરકન્ડક્ટર એટલે કે ઉત્તમ વીજવાહક બનાવી શકાય છે.

કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, સંદેશવાહક સાધનોમાં વપરાતી ઈલેક્ટ્રોનિક ચીપમાં ટ્રાન્ઝીસ્ટર ઘણા જ આધારરૂપ છે. ટ્રાન્ઝીસ્ટરએ ઈલેક્ટ્રોનિકસની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. ઈલેક્ટ્રોનિકસ સાધનોમાં એનો વપરાશ અત્યંત આવશ્યક બની ગયો. આ શોધે વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે.

અણુકેન્દ્રનું સંયોજન - ફ્યુઝન ઊર્જા

૧૯૫૧માં લીમેન સ્પીત્ઝરએ અણુવિભાજનથી વિરુદ્ધની પ્રક્રિયા અણુકેન્દ્રના સંયોજનની શોધ કરી કે જેમાં બે અણુઓ ભેગા મળીને એક વિશાળ અણુ બને છે અને વિપુલ પ્રમાણમાં ઊર્જા - ફ્યુઝન ઊર્જા છૂટે છે.

ફ્યુઝન ઊર્જા એ સૂર્યની શક્તિ છે. આ ઊર્જા અખૂટ છે કારણકે તે હાઈડ્રોજન અને લીથીયમમાંથી ઉત્તપન્ન કરી શકાય છે. આ બે તત્વો પૃથ્વી પરના ખડકોમાંથી સરળતાથી મેળવી શકાય છે. ફ્યુઝન ઊર્જા સ્વચ્છ, પ્રદુષણરહિત છે અને પર્યાવરણને નુકસાન નથી કરતી.

પરંતુ આ અણુ સંયોજનની પ્રક્રિયા ઊર્જા સ્ત્રોત માટે ઉપયોગમાં લેવાને બદલે હાઈડ્રોજન બોમ્બ બનાવવા વપરાઈ. ઊર્જા તરીકેના ઉપયોગ માટે હજી સુધી માત્ર પ્રયોગશાળા સુધી જ સીમિત રહી છે. જો તેને ઊર્જાના રોજીન્દા સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય તો હજારો વર્ષો સુધી અખૂટ ઊર્જા મળતી રહે.

પ્રાથમિક કણમાં રહેલા ઘટક તત્વો

૧૯૬૨માં મુરે ગેલ-મેનએ પ્રોટોન અને ન્યુટ્રોન બનાવતા સુક્ષ્મ અણુ કણો શોધ્યા. તેને કવાર્ક નામ આપ્યું.

આ શોધ વિજ્ઞાનને, પ્રોટોન અને ન્યુટ્રોનમાં રહેલી વિક્ષિપ્ત અને અજાણી એવી ક્વોન્ટમની દુનિયામાં લઇ ગઈ. એવી વિચિત્ર દળવાળી દુનિયા કે જેમાં દળ નથી અને જેમાં દળ અને ઊર્જા મુક્તપણે અદલબદલ થાય છે!

ગુરુત્વાકર્ષણના તરંગો

૧૯૧૫માં આલ્બર્ટ આઇન્સ્ટાઇનએ ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ કરી જે સમય-અવકાશ રૂપી ચાદરમાં સળ-લહેર જેવા છે. એમણે બ્રહ્માંડની એવી કલ્પના કરી કે જેમાં સમય અને અવકાશ એકબીજામાં ગૂંથાયેલા અને ગતિશીલ છે તેમજ તણાઈ શકે છે, સંકોચાઈ શકે છે અને ધીમા આંચકા પણ ખાઈ શકે છે.

૧૦૦ વર્ષો સુધી આ શોધ માત્ર એક સિધ્ધાંતરૂપે જ હતી. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ સાથે મળીને એક પ્રયોગ શરૂ કર્યો જેને લીગો - LIGO એવું નામ આપ્યું અને આ શોધ વિષે વધુ જાણવા પ્રયત્ન કર્યો. ફેબ્રુઆરી ૨૦૧૬માં આ શોધની એક સદી વીતી ગયા બાદ, આ વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે એમણે અબજો પ્રકાશવર્ષ દુર રહેલા બે બ્લેક હોલની અથડામણથી ઉત્તપન્ન થયેલા અવાજને રેકોર્ડ કર્યો છે. જો સમય-અવકાશની જે ચાદરની કલ્પના કરી છે તેમાં સળ-લહેરો હોય તો જ આવું શક્ય બને. આમ આઇન્સ્ટાઇને શોધેલા ગુરુત્વાકર્ષણ તરંગોનો સૌપ્રથમ પુરાવો મળ્યો.

ભારત દેશ માટે પણ આ એક ગૌરવની ક્ષણ છે કારણકે આ પ્રયોગમાં લગભગ ૬૦ ભારતીય વૈજ્ઞાનિકો પણ સંકળાયેલા છે. આ શોધ દ્વારા આપણે બ્રહ્માંડ અને બ્લેક હોલ્સ વિષે વધારે જાણકારી પ્રાપ્ત કરી શકશું.

Coin Marketplace

STEEM 0.20
TRX 0.15
JST 0.029
BTC 64512.68
ETH 2615.54
USDT 1.00
SBD 2.82